દીકરી ઘરની દીવડી નિબંધ ગુજરાતી
Answers
ઉત્તર: એક શ્રીમંતને બે દીકરીઓ હતી. ત્રીજી દીકરીનો જન્મ થયો. શ્રીમંતે ખુશી વ્યક્ત કરતાં કહ્યું, "આજ સુધી હું શ્રીમંત હતો. આજથી હું ગર્ભશ્રીમંત થયો !"
દીકરી એટલે વહાલનો દરિયો. દીકરી એટલે ઘરની લક્ષ્મી. દીકરી એટલે મમતાની મૂરત. દીકરી સૌને ખૂબ વહાલી હોય છે. કુદરતે તેનામાં સ્વાભાવિક આકર્ષણ મૂક્યું હોય છે. તેનો મધુર કંઠ, તેની મીઠી કાલી ભાષા, તેનું નિર્મળ નિખાલસ હાસ્ય સૌને આકર્ષિત કરે છે. દીકરી નાની હોય ત્યારે જુદી જુદી રમતો રમે છે. તેને ઢીંગલી ખૂબ ગમતી હોય છે. તે ઢીંગલીને નવડાવે, કપડાં પહેરાવે, શણગારે, તેની સાથે વાતો કરે. બાળપણથી જ તેનામાં મમતા, પ્રેમ સહજ હોય છે. મોટી થતાં તે માને ઘરકામમાં મદદ પણ કરે છે.
દીકરી શાળાએ જાય. ત્યાં તે ભણે, અન્ય પ્રવૃત્તિઓમાં હોંશે હોંશે ભાગ લે. સંગીત, નૃત્ય, ગરબામાં તેને વિશેષ રસ હોય છે. માબાપ દીકરીની ઇચ્છાઓ પૂરી કરે છે. તેને ભણવામાં પ્રોત્સાહન આપે છે. તે ભણી શકે તેટલું ભણાવે છે. પોતે તકલીફો વેઠીને પણ તેની ઇચ્છાઓ પૂરી કરે છે.
એક સમય હતો જ્યારે દીકરીનો જન્મ થતાં જ તેને દૂધ પીતી કરવામાં આવતી. દીકરીને ઘરની બહાર જવા દેવામાં આવતી નહોતી. તેને ભણાવવામાં આવતી નહોતી. તેને નાની ઉંમરે જ પરણાવી દેવામાં આવતી. દીકરીને દહેજ આપવું પડતું.
હવે સમય બદલાયો છે. સમાજના લોકો સમજદાર થયા છે. દહેજ માગવું, આપવું, લેવું પાપ ગણાય છે, વળી ગુનો પણ બને છે. દીકરીઓ ભણીગણીને તૈયાર થઈને ઊંચી નોકરીઓ કરે છે. શિક્ષણ, રમતગમત, વિજ્ઞાન વગેરે ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરે છે. દીકરી નીડર બની છે, પુરુષ સમોવડી બની છે.
'ડાહી દીકરી સાસરે શોભે'. ઉંમરલાયક થતાં દીકરીને પરણાવવામાં આવે છે. દીકરી બાપની ખૂબ લાડકી હોય છે. કન્યાવિદાયવેળાએ બાપની આંખમાં આંસુ આવે છે. તે ભાંગી પડે છે. કહેવાય છે કે સંસ્કારી દીકરો એક કુળ તારે, જ્યારે સંસ્કારી દીકરી બે કુળ તારે. તે સૌનો પ્રેમ જીતીને પિયરમાં માબાપની આબરૂ વધારે છે અને સાસરિયામાં સૌને પોતાનાં કરે છે.
દીકરી, ઘરની દીવડી જ્યાં હોય ત્યાં ઉલ્લાસ અને ઉમંગનું અજવાળું ફેલાવે છે.
Hope this answer would help you !
If you like my answer, then mark me as brainliest !