Dikri mate kahevat in Gujarati
Answers
“આકાશની શોભા સિતારાથી હોય છે, નદીની શોભા કિનારાથી હોય છે.
ફૂલોની શોભા સુગંધથી હોય છે અને ઘરની શોભા “દીકરી”થી હોય છે.”
દીકરી એટલે કદી “ ડિલિટ” ન થતી અને સદા “રિફ્રેશ” રહેતી લાગણી. દીકરી જન્મે છે ને ઘરના આંગણે જાણે કોમળ કિરણોની કોમળતા અવતરે છે. આપણી જીવવાની ઝંખનાને પ્રજ્જ્વલિત રાખતી જ્યોત એટલે દીકરી.
દીકરી કેજીમાં ભણતી હોય કે કોલેજમાં ભણતી હોય, કુવારી હોય કે પરણેલી હોય પણ મા બાપ માટે દીકરી સદાય દીકરી જ રહે છે. બાળપણમાં દીકરી ભલે તોફાન મસ્તી કરતી હોય પણ જ્યારે યુવાન બને છે ત્યારે ગંભીરતા ધારણ કરી લેતી હોય છે. લગ્ન પછી જ્યારે દીકરી સાસરે જાય છે ત્યારે સાસરીયાઓ એમ પુછે છે કે વહુ કરિયાવરમાં શું-શું લાવી છે? પરંતું એ નથી સમજતા કે વહુ વહાલના દરીયા જેવા મા બાપ, ઘર, પરિવાર, ગામ....આ બધુ જ છોડીને તમારા હ્ર્દયને જીતી લેવા માટે આવી છે. જ્યારે આ વાતનો સમાજ સ્વીકાર કરે છે ત્યારે દીકરીના જીવનમાં સુગંધ આવી જાય છે. નવી વહુનું સાસરીયામાં આવવું એ નવા બાળકનો જન્મ થયા બરાબર છે. અત્યાર સુધી એ પિતાના ઘરે હતી ત્યાં સુધી કશી ચિંતા ન હતી, પરંતુ સાસરીયામાં ફરીથી ચાલતા શિખવું પડે છે.
દીકરી પિતા માટે એક ધબકાર હોય છે. જીવનમાં કદી ન રડનાર પુરુષ પણ એક બાપ તરીકે જ્યારે પોતાની દીકરીને વિદાય આપે છે ત્યારે ચોધાર આસુંએ રડે છે. ઇશ્વરને એજ પ્રાર્થના કે કોઇ પણ દીકરીને પિતાથી એટલી દૂર ના મોકલતા કે શિયાળાની કાતીલ ઠંડી હોય કે ચોમાસાની મેઘલી રાત હોય અને પિતાના છેલ્લા શ્વાસ હોય ત્યારે દીકરી પિતાને ચમચી પાણી ના પિવડાવી શકે.
ખરેખર, દીકરી એક અણમોલ રત્ન છે.