Write an essay on corruption in gujarati
Answers
કોઇ પણ સત્તાધીશ દ્વારા તેની સત્તાનો કોઈ લાભ મેળવવા દુરુપયોગ કરવો તેને ભ્રષ્ટાચાર કહેવાય છે. મેળવેલ પૈસા કે ભેટને લાંચ કહેવાય છે. ભારતમાં સરકારી અધિકારીઓમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર પ્રવર્તે છે. દુનિયાના બધા દેશોમાં સરકારી પારદર્શિકતામાં ભારતનો ક્રમાંક ૧૧૦ પછી આવે છે અને દુનિયાના સૌથી વધુ ભ્રષ્ટ દેશોમાં તે સ્થાન ધરાવે છે.
ભ્રષ્ટાચાર એ સામાજિક દૂષણ છે. તેનાથી દેશનું પતન થાય છે અને સમાજ અંધકારની ગર્તામાં ધકેલાય છે. ભ્રષ્ટાચારનો ભરડો દેશના વિકાસને થંભાવી સામાજિક સુવ્યવસ્થાને ઉધઇની જેમ કોરી ખાય છે અને રાષ્ટ્રીય તંત્ર ખોખલું બનાવે છે. ભ્રષ્ટાચારને અંકુશમાં રાખવા પ્રત્યેક નાગરિક જાગ્રત બની તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણમાં પ્રતીકસમાન આગળ આવે.
આજના યુગમાં સર્વત્ર ભ્રષ્ટાચારનું સામ્રાજ્ય પ્રવર્તે છે. જ્યાં જુઓ ત્યાં બધે ભ્રષ્ટાચાર જ જોવા મળે છે. જાહેરજીવનનું એક પણ ક્ષેત્ર એવું બાકી નથી રહ્યું, જ્યાં આ સડો ના પેઠો હોય. રાજકારણ તો જાણે ભ્રષ્ટાચારનો પૂરો અડ્ડો બની ગયું છે. શિક્ષણ, વ્યાપાર અને રમતગમત જેવા ક્ષેત્રોમાં પણ ભ્રષ્ટાચાર વ્યાપેલો જોવા મળે છે.
પહેલાંના સમયમાં શુદ્ધ રાષ્ટ્રપ્રેમ અને નિ:સ્વાર્થ સેવાના ભાવથી લોકો રાજનીતિ અપનાવતા હતા. પોતાની સંપત્તિ પણ રાષ્ટ્રને ચરણે ધરતા હતા. આમ છતાં પોતાને મળતી સત્તા કે સગવડનો સદઉપયોગ કરીને સાધનશુદ્ધિ સાચવતા હતા. આજના રાજકિય નેતાઓમાં એમાંનું એક પણ લક્ષણ જોવા મળતું નથી. યથા રાજા તથા પ્રજા, એ ન્યાયે પ્રજામાં પણ ભ્રષ્ટાચાર પાંગર્યો છે. વેપારી વર્ગ માલમાં ભેળસેળ કરે છે. તેલ,અનાજ કે દવા સુધ્ધાં ભેળસેળથી બચ્યા નથી. શાકભાજી, દૂધ અને રોજિંદી જીવનજરુરી ચીજવસ્તુઓમાં થતી ભેળસેળ પ્રજાના સ્વાસ્થને જોખમાવે છે. આજ રીતે શિક્ષણ, પોલીસ, ન્યાયતંત્ર એમ સર્વત્ર ભ્રષ્ટાચાર જોવા મળે છે.
જ્યારે આખું આભ જ ફાટ્યું હોય ત્યાં થીંગડાં કેટલાં દેવાય? આમ ચોતરફ ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો હોય ત્યાં સભ્ય ને શુદ્ધ રહેવું શક્ય તો નથી, ઉલટાનું જોખમભર્યું છે એટલે મને-કમને પ્રજા સંમત થઇને ભ્રષ્ટાચારને જ શિષ્ટાચાર ગણતી થઇ ગઇ છે.